Because Every Second Is Breaking News.

અમદાવાદ: કલેક્ટર કચેરી સામે પાર્કિંગની જગ્યાએ ફૂટપાથ બનાવવાનો વિવાદ

અમદાવાદ: કલેક્ટર કચેરી સામે પાર્કિંગની જગ્યાએ ફૂટપાથ બનાવવાનો વિવાદ

અમદાવાદના કલેક્ટર કચેરી કંપાઉન્ડ બહાર 108 એમ્બ્યુલન્સ અને નાગરિકોના વાહનો માટે અનામત પાર્કિંગની જગ્યાએ વિશાળ અને ઊંચી ફૂટપાથ બનાવવામાં આવી રહી છે. આ કામગીરીને પગલે વિવાદ સર્જાયો છે અને સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે આ નિર્માણ 'શ્રીજી ચાયવાલે' નામના ખાનગી ચા એકમને ફાયદો કરાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

કલેક્ટર કચેરી તરફ જતા રોડને અડીને આવેલી દુકાનોની સામે અગાઉ વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા હતી. છેલ્લા બે દિવસથી આ જગ્યા ખોદવામાં આવી રહી હતી, જે બાદ ખબર પડી કે અહીં ફૂટપાથ બનાવવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે ફૂટપાથ બન્યા પછી પાર્કિંગની જગ્યા સમાપ્ત થઈ જશે, જ્યારે આ ફૂટપાથની બરાબર બાજુમાં આવેલા 'શ્રીજી ચાયવાલે'ના એકમને સીધો લાભ થશે.

આ ઉપરાંત, ભાજપ સાથે સંકળાયેલા સંચાલકને સ્થાનિક કોર્પોરેટરની ભલામણથી આ કામ કરાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચા પણ વ્યાપક છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ફૂટપાથના નિર્માણ માટે કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જોકે, આ અંગે તંત્ર કે કોર્પોરેટર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વિવાદ વધતાં સ્થાનિકોએ આ મામલે મુખ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલય સુધી લેખિત ફરિયાદો કરી છે. ફરિયાદમાં જાહેર ઉપયોગની જગ્યાને ખાનગી હિતમાં વાપરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, 108 એમ્બ્યુલન્સની કામગીરીમાં વિક્ષેપ પડવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.

દરમિયાન, 'શ્રીજી ચાયવાલે' દુકાન નજીક આવેલા એક વૃક્ષનું મંજૂરી વિના ટ્રીમિંગ કરાવવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે. મ્યુનિસિપલ નિયમો મુજબ આ ગેરકાયદેસર છે, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી.

એ નોંધવું રસપ્રદ છે કે 'શ્રીજી ચાયવાલે'ના સંચાલક અગાઉ શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ વિવાદમાં રહી ચૂક્યા છે. ત્યાં તેમની દુકાન નજીક આવેલું જાહેર શૌચાલય મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી વિના તોડી પાડવામાં આવ્યું હતું, જે બાદ તેમણે લેખિત માફીપત્ર આપવો પડ્યો હતો અને પોતાના ખર્ચે શૌચાલય ફરી બનાવી આપવું પડ્યું હતું.

હાલમાં પણ કલેક્ટર કચેરી બહાર ફૂટપાથનું કામ ચાલુ છે, પરંતુ સ્થાનિકો અને પ્રશાસન વચ્ચે બાબત ઉકેલાઈ નથી. આ મામલે AMC અને અન્ય સંબંધિત વિભાગોએ સ્પષ્ટતા કરવી બાકી છે. પાર્કિંગ વિના નાગરિકોની હાલાકી અને 108 સેવા પર પડનારી અસર જોતાં આ મુદ્દો ગંભીર બની રહ્યો છે.