અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્રોપર્ટી ટેક્સ વિભાગની કામગીરી અંગે હવે સ્ટેન્ડિંગ કમિટીમાં સવાલો ઉઠ્યા છે. નાગરિકો દ્વારા કરવામાં આવતી અરજીઓનો નિકાલ કરવામાં બે મહિના સુધીનો સમય લાગતો હોવાની ફરિયાદ બાદ વિભાગને દરેક અરજીનો સાત દિવસમાં જવાબ આપવા અને સમયમર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે.
AMCનો પ્રોપર્ટી ટેક્સ વિભાગ કોર્પોરેશન માટે આવકનો મહત્વનો સ્ત્રોત છે. છતાં નાગરિકોને ટેક્સ સંબંધિત સામાન્ય બાબતોમાં પણ લાંબો સમય રાહ જોવી પડતી હોવાની રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીમાં થઈ હતી. મિલકતના નામમાં ફેરફાર, ટેક્સની રકમમાં વધારો, ટેક્સ ભર્યા બાદ પણ બાકી રકમ દર્શાવવી, મિલકતના માપમાં તફાવત અને ટેક્સ ફેક્ટરમાં સુધારા જેવી બાબતો માટે અરજદારોને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે આ મુદ્દે ટેક્સ વિભાગને પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું છે. અરજી મળ્યા બાદ મહત્તમ સાત દિવસમાં અરજદારને યોગ્ય જવાબ મળી જાય અને શક્ય હોય ત્યાં સુધી અરજીનો નિકાલ પણ થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયથી નાગરિકોની મુશ્કેલી ઘટે તેવી અપેક્ષા છે.
આ ઉપરાંત, કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટનું કામ કરતી એજન્સી અને કોન્ટ્રાક્ટરોની સાઇટ પર ગંદકી, સીએન્ડડી વેસ્ટ અથવા મચ્છરના પોરા મળી આવે તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સ્ટેન્ડિંગ કમિટીએ સૂચના આપી છે. અમદાવાદને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. બાંધકામ માટેની સાઇટ પર ગંદકી હોય કે મચ્છર ઉત્પન્ન થતા હોય તો સંબંધિત કોન્ટ્રાક્ટર કે ડેવલપર સામે પગલાં લેવાની જોગવાઈ છે. હવે આ નિયમો કોર્પોરેશનના પ્રોજેક્ટ કરતી એજન્સીઓને પણ લાગુ કરવામાં આવશે.
તે જ રીતે, BRTS બસ સ્ટેન્ડ પર મુસાફરોની સલામતી અને વ્યવસ્થા માટે લગાવવામાં આવેલા બૂમ બેરિયર યોગ્ય રીતે કાર્ય કરતા ન હોવાની ફરિયાદ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ બસ આવતી વખતે બૂમ બેરિયર સમયસર ન ખુલતા હોવાની રજૂઆત થઈ હતી. આ ફરિયાદને ધ્યાનમાં લઈને બૂમ બેરિયરનું ચેકિંગ અને મેઇન્ટેનન્સ કરાવવા તાકીદ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં નાગરિકોને વહીવટી સેવાઓ સમયસર મળી રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે. ટેક્સ વિભાગની કામગીરીમાં પારદર્શિતા અને ઝડપ લાવવાના પ્રયાસરૂપે આ નિર્ણય અમલમાં મૂકવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.